અમારે ક્યાં સુધી ? -
7th March 2018, 08:10 AM
અમારે ક્યાં સુધી
અમારે ક્યાં સુધી આ હાથ તમને જોડવા પડશે,
હવે આ બારણાં ખોલો નહીં તો તોડવા પડશે.
સમર્પણ, ત્યાગ, મૂરઝાવું હસીને કે વહી જાવું,
અમસ્તા લાગણીવેડા બધા આ છોડવા પડશે.
બતાવે સત્ય એવાં દર્પણોની આગવી દુનિયા,
બની નિર્ભ્રાંત ભ્રાંતિના અરીસા તોડવા પડશે.
રૂઢિજડતા, નિરક્ષરતા, બીજા કંઈ કેટલા ખ્યાલો,
અમારે ભીતરે અમને હવે ઝંઝોડવા પડશે.
બની જડ ક્યાં લગી રહીશું, ઊંડાં છે વ્હેમનાં વમળો,
હૃદયના તંતુને તાણે વિચારો જોડવા પડશે.
- મનોજ્ઞા દેસાઈ
===================================
|